સુરત-ઘટના



સુરતના મ્યુનિસિપલ કે બંબાવાળા કે કોચિંગ ક્લાસવાળા કે ક્લાસમાં મોતને ભેટનારા કે બારીમાંથી કુદી પડનારા કે નીચે ઝીલનારા કે દૂરથી વિડીયો શુટીંગ કરનારા... આમાંના કોઈ પણ પાત્ર ની જગ્યાએ તમે કે હું હોત તો આપણે લગભગ એ જ કર્યું હોત જે તેમણે કર્યું.

કારણ કે આપણે સૌ આવા જ છીએ,  ટેક્નોલોજી નો ઊંધો ઉપયોગ કરનાર, બેજવાબદાર અનેં કામચોર...
ફાયર સેફ્ટીના મામલે બેજવાબદાર, ટૂંકો રસ્તો પસંદ કરનાર, વાંકી આંગળીએ ઘી કાઢનાર વગેરે વગેરે.

આ તો સારું થયું કે એક માણસે દૂરથી પણ બહુ રીતે ફોકસ કરીને વિડિયો ક્લિપ બનાવી. એ ક્લિપ ન બની હોત અને ન ફરી હોત તો આપણે આટલો પણ હોબાળો ન કર્યો હોત.

આ ઘટના બાદ સરકારે બધા કોચિંગ ક્લાસ બંધ કરાવી દીધા. જાણે માત્ર કોચિંગ ક્લાસમાં જ લોકો આગથી મરી શકે છે. ફાયર સેફ્ટીની એટલી બધી ચિંતા હોય તો ગુજરાતના પોણા ભાગની બિલ્ડીંગ બંધ કરાવી દેવી જોઈએ,
કારણ કે એમાં રહેતા કે કામ કરતા લોકો નું જીવન પણ એટલું જ મૂલ્યવાન છે જેટલું સુરત દુર્ઘટનાના મૃતકોનું છે.

અસલમા  પ્રજાનો આક્રોશ ઠારવાનો ઉપાય. ધેટ્સ ઇટ.

થોડા દિવસના હોબાળા પછી, લખી રાખો, બધું હતું તેમનું તેમ ચાલતું રહેવાનું છે.

આ થઈ આપણી નબળાઈ.

સામે પક્ષે આપણી એક સબળાઈ પણ સમજી લેવા જેવી છે. તે સબળાઈ એ છે કે આપણે અત્યંત સમજદાર પ્રજા પણ છીએ. ખરાબ શબ્દોમાં એમ કહી શકાય આપણે જાડી ચામડીના છીએ, પરંતુ સારા શબ્દોમાં એમ પણ કહી શકાય કે આપણે લાંબા સમય સુધી રઘવાટ નથી કરતા, આપણે બહુ ઘાંઘા નથી થતા, ભલભલી દુર્ઘટનાને પચાવીને આપણે પછી સ્વસ્થ રીતે આગળ વધી જઈએ છીએ. મોતને સ્વીકારવામાં આપણી ભારતીયોની ક્ષમતા ઘણી ઊંચી છે.

જે જન્મે તે મરે. આ હકીકતનો સ્વસ્થ સ્વીકાર કરવામાં ભારતીય પ્રજા વિશ્વની અન્ય પ્રજાઓ કરતા આગળ છે.

આપણે ruthlessly practical એટલે કે નિષ્ઠુરપણે વ્યવહારુ છીએ. અમેરિકાની અનેક ટોચની કંપનીઓના ટોચના સ્થાને ભારતીય બિરાજમાન છે તેનું એક કારણ આ છેઃ આપણે  રુથલેસલી પ્રેક્ટિકલ બનીને કઈ વાતને કેટલું વેઇટેજ આપવું તેની સમજ ધરાવીએ છીએ. મોત આવે જ છે, વહેલું કે મોડું, સારી રીતે કે ખરાબ રીતે. આવામાં, ઈચ્છનીય એ જ છે કે મોત મોડું આવે અને શાંતિથી આવે, પરંતુ આવું ઇચ્છનીય મોત હંમેશા આપણા હાથમાં નથી હોતું એ વાત ભારતીય જેટલી સારી રીતે સમજી શકે છે એટલે સારી રીતે બીજાઓ નથી સમજી શકતા.

કચ્છના ભૂકંપના ત્રણ મહિના પછી એક સ્વીડિશ મહિલા મનોચિકિત્સક કચ્છ આવેલાં. તેમણે કહેલું, ‘‘આટલી ભીષણ ઘટના સ્વીડનમાં બની હોત તો પોણા ભાગની પ્રજાને મનોચિકિત્સાની જરૂર પડી હોત. તમારે એવી જરૂર નથી પડી. મને સમજાતું નથી તમે કઈ માટીના બનેલા છો?’’

જવાબઃ અમે ભારતીય માટીના બનેલા છીએ. ભલભલી પ્રચંડ દુર્ઘટના, આપત્તિ, પ્રહાર વગેરેને આપણે થોડી રાડારાડ, થોડા ની જર્ક રિએક્શન્સ, થોડા દિવસો કોચિંગ ક્લાસિક બંધ કરાવવા નાટકો અને દેખાડા બાદ આપણે ભૂલી જઈએ છીએ.

આવી નીતિને લીધે આપણે જલદી સબક નથી શીખતા. અથવા એમ કહી શકાય કે સબક શીખવાની આપણી સ્પીડ ઓછી છે.

બાકી, સાવ એવું પણ નથી કે આપણે સુધરી જ નથી રહ્યા. ના, સુધરી તો રહ્યા છીએ. પહેલાં આપણે ટ્રેનના ડબ્બામાં બીડીયું પીતાં, હવે નથી પીતાં. પહેલાં આપણે ભલભલી ઇમારતના દાદરાના કાટખૂણે પાનની પીચકારી મારતા, હવે નથી મારતા કે ઓછી મારીએ છીએ. આજથી બે-ચાર દાયકા પહેલાં ફાયર સેફ્ટી નોર્મ્સનું જેટલું ધ્યાન રખાતું તેનાથી હવે થોડું વધારે જ રખાય છે.

પ્રોબ્લેમ ફક્ત એટલો છે કે સુધારાની સ્પીડ ધીમી છે, અત્યંત ધીમી. એ સ્પીડ ચોક્કસ વધારીએ...

અને સાથોસાથ એ પણ યાદ રાખીએ કે આપણે સાવ નાખી દેવા જેવા પણ નથી. કુછ તો હૈ કિ હસ્તી મીટતી નહીં હમારી. કુછ તો હૈ કિ ઇતને વર્લ્ડ ફેમસ સીઈઓ હૈ હમારે. કુછ તો હૈ કિ હમ ઇતની મુશ્કીલોં કે બાદ ભી હંસતે રહતે હૈ, ભલભલી જગહોં પર ગરબા કરતે રહતે હૈ...

ટૂંકમાં કહેવાનું એટલું જ છે આપણે માત્ર ખરાબ જ નથી, સારા પણ છીએ. આપણે માત્ર નબળા જ નથી, સક્ષમ પણ છીએ.

અહીંં જે લખ્યું છે તે સાચું જ હોય એ જરૂરી નથી. આ પોસ્ટને મારુ મંતવ્ય પ્રમાણે લેવી...

કારણ આપણે આવા જ છીએ..