‘સમય સમય બલવાન હૈ; નહીં પુરૂષ બલવાન’ એ ઉક્તિને વધુ એક વખત સાચી ઠેરવતી ત્રણ ઘટનાઓ તાજેતરમાં ભારતમાં બની જેનાથી સંવેદનશીલ લોકો હચમચી ગયા છે:
(૧). એક સમયે, રૂ. ૧૨ હજાર કરોડના બીઝનેસ સામ્રાજ્ય અને સુવિખ્યાત ‘રેમન્ડ’ બ્રાન્ડના માલિક શ્રી વિજયપત સિંઘાણીયા આજે ભાડાંના મકાનમાં રહે છે અને ખાવાના પણ સાંસા પડી ગયા છે. સ્વમાલિકીનું એક ટચૂકડું વિમાન પોતાની જાતે ઉડાડીને, લંડનથી ભારત સુધીની સફર એકલા ખેડવાના ‘રેકોર્ડ’ના સર્જક, ‘હોટ એર બલૂન’માં જમીનથી ૬૯,૮૫૨ ફૂટની ઊંચાઈ આંબવાના વિશ્વ-વિક્રમના સ્થાપક, મુંબઈના શેરીફ્નું પ્રતિષ્ઠિત પદ શોભાવનાર, ભારતના ટોચના ધનિકોમાંના એક અને રાષ્ટ્રના ત્રીજા ક્રમના સર્વોચ્ચ નાગરિક સન્માન ગણાતા ‘પદ્મભૂષણ’થી વિભૂષિત એવા ખ્યાતનામ ઉદ્યોગપતિ શ્રી વિજયપત સિંઘાણીયાએ તેમની આજની સ્થિતિ માટે પોતાના સગા દીકરાને જવાબદાર ઠેરવ્યો છે; એક ટીવી ‘ઈંટરવ્યૂ’માં તેને ‘નાલાયક પુત્ર’ ગણાવ્યો છે. પુત્ર-પ્રેમમાં અંધ બનીને વિજયપતજીએ પોતાનું સર્વસ્વ પુત્રના નામે કરી દીધું અને એ ‘કપાતરે’ આવા હોનહાર બાપને જ ઘરમાંથી તગેડી મૂક્યો.
(૨). મુંબઈના એક અત્યંત વૈભવી વિસ્તારમાં રહેતી એક અબજોપતિ મહિલા પોતાના ફ્લેટમાં મૃત્યુ પામી ત્યાં સુધી અને તે પછી પણ તેના દીકરાએ સગી મા, જનેતાની ભાળ કાઢી નહીં; મૃત્યુના એક વર્ષે આ મહિલાનો હાડપિંજરમાં ફેરવાઈ ગયેલો મૃતદેહ તેના ફ્લેટમાંથી મળી આવ્યો. પેટનો જણ્યો ય પોતાનો થયો નહિ એવી પીડા સાથે આ મહિલાએ કઈ રીતે દેહ છોડ્યો હશે તેની કલ્પના કરતાં ય શરીરમાંથી લખલખું પસાર થઇ જાય તેવી આ બિના છે.
(૩). બિહારના બક્ષર જીલ્લાના કલેકટર, યુવાન આઇએએસ અધિકારી મુકેશકુમાર પાંડેએ ગઈ તા. ૧૦-૦૮-૨૦૧૭ના રોજ ટ્રેનની આડે પડતું મૂકીને આત્મહત્યા કરી લીધી. ગૃહકંકાસને કારણે તેમણે આ અંતિમ પગલું ભર્યાનું બહાર આવ્યું છે. આખા જીલ્લાનો વહીવટ સંભાળતો આ ઉચ્ચ અધિકારી પોતાના ઘરને સંભાળી શક્યો નહીં; જિંદગીથી હારી ગયો.
ઉપરોક્ત ત્રણેય ઘટના શું સૂચવે છે? પદ, પૈસો અને પ્રતિષ્ઠા ગમે તેવા અને ગમે તેટલા હોય; દરેક માનવીને સુખ આપી શકતા નથી. સંજોગો સામે માનવી કેટલો લાચાર છે તેના આ જીવંત દાખલા છે, આવી વધુ એક ઘટના પર દ્રષ્ટિપાત કરીએ:
કાર રેસીંગના ક્ષેત્રે વિશ્વ-વિખ્યાત સ્પર્ધા ‘ફોર્મ્યુલા-વન’ના મહાન, જવાંમર્દ ડ્રાઈવર માઈકલ શુમેકરથી કોણ અજાણ્યું હશે? ૯૧ ગ્રાન્ડપ્રિક્સનો જીતનાર અને સાત વખત વિશ્વ-ચેમ્પિયન બનેલો માઈકલ આજે જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યો છે. ‘સ્પીડ’, ઝડપ, ગતિ જેની નસેનસમાં દોડતી હતી તે બત્રીસ લક્ષણો આજે પોતાની જાતે પડખું ફેરવી શકવા પણ સક્ષમ રહ્યો નથી. ૨૦૧૩માં બરફ પર રમાતી ‘સ્કીઈંગ’ની રમત દરમિયાન સર્જાયેલી દુર્ઘટનામાં માઈકલના માથામાં ગંભીર ઈજા પહોંચી અને સદાને માટે તેની જિંદગી બદલાઈ ગઈ. માઈકલની સારવાર માટે અત્યાર સુધીમાં ૧૪ મિલિયન યુરો (એક અબજ રૂપિયાથી વધુ)નો ખર્ચ થઇ ચૂક્યો છે અને તેની પત્ની આજે મિલકતો વેચીને પતિની સારવાર કરાવી રહી છે.
આવી ઘટનાઓ માનવીને એવો સ્પષ્ટ સંદેશ આપી રહી છે કે, જીંદગીમાં એકપણ સંજોગ પર તમારો કોઈ અંકૂશ નથી માટે સત્તા, પદ, પૈસા અને પ્રતિષ્ઠાનું લેશ માત્ર અભિમાન પણ કરવું નહિ. ક્યારે આ બધું તમારો સાથ છોડી દેશે તે નક્કી નથી. માટે, જીવન છે ત્યાં સુધી પરમ કૃપાળુ પરમાત્માનો ઉપકાર માનીને શાંતિથી જીવીએ.
: રજની પરમાર